Missionpaani: જુનાગઢમાં અભિયાન,‘વરસાદી પાણી તળમાં ઉતારો, રોકડ ઇનામ મેળવો’

News18 Gujarati
Updated: July 12, 2019, 6:16 PM IST
Missionpaani: જુનાગઢમાં અભિયાન,‘વરસાદી પાણી તળમાં ઉતારો, રોકડ ઇનામ મેળવો’
જે લોકો બોરવેલ રિચાર્જ કરે છે તેમને ટ્રસ્ટ 1500 રૂપિયા રોકડ આપે છે

અત્યાર સુધીમાં 100થી વધુ ઘરો-એપાર્ટમેન્ટોમાં ટ્રસ્ટની સહાય-સહયોગથી વરસાદી પાણી બોરમાં ઉતારવાની વ્યવસ્થા વ્યવસ્થા કરાઇ. 2000 બોરવેલ રિચાર્જ કરવાનો ટાર્ગેટ છે.

  • Share this:
અમદાવાદ: જરૂરિયાત સંશોધનની માતા ગણાય છે એમ દિવસે-દિવસે વધી રહેલી પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે જાગૃત નાગરીકો-સંસ્થાઓ નવતર પ્રયોગો કરી રહ્યા છે અને બીજા લોકોને પ્રેરણા આપી રહ્યાં છે.

જુનાગઢમાં લોકો વરસાદી પાણી બોરવેલ દ્વારા જમીનમાં ઉતારતા થાય તે માટે શ્રી ખીમજી જમનાદાસ છત્રાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ પ્રયોગ કરવામાં આવ્યો છે અને તેમના તેમના સારો પ્રતિભાવ પણ મળી રહ્યો છે. આ ટ્રસ્ટ દ્વારા જે લોકો, પોતાના ઘરે, એપાર્ટમેન્ટમાં આવેલા બોરમાં વરસાદી પાણી ઉતારે તેને રોકડ ઇનામ રૂપે 1500 રૂપિયા આપવામાં આવે છે.

આ ટ્રસ્ટ દ્વારા જુનાગઢમાં એક ડાયગ્નોસ્ટીક સેન્ટર ચલાવવામાં આવે છે અને સાથે સાથે પાણી બચાવવાનું એક મોટું અભિયાન આ વર્ષથી હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં જુનાગઢમાં 100થી વધુ ઘરો-એપોર્ટમેન્ટોમાં બોર રિચાર્જ થયા અને ટ્રસ્ટનો ટાર્ગેટ છે કે, આ વર્ષે 2000 બોર રિચાર્જ કરવા.

આ ટ્રસ્ટ સાથે જોડાયેલા ભાવિનભાઇ છત્રાળાએ જણાવ્યું કે, આ નવતર પ્રયોગ અંતર્ગત અત્યાર સુધીમાં જુનાગઢમાં અમે 100થી વધુ બોર રિચાર્જ કર્યા અને આ વર્ષે 2000 બોર રિચાર્જ કરવાનો ટાર્ગેટ છે. લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે,”

તેમણે જણાવ્યું કે, જુનાગઢમાં ઘરે-ઘરે બોરવેલ છે. પીવાનાં પાણીનો આ મહત્વનો સ્ત્રોત છે પણ દિવસે-દિવસે તેના તળ નીચે ઉતરતા જાય છે અને પીવા માટે લોકોએ ઊંચી કિંમતે પાણીનાં ટેંકર મંગાવવા પડે છે. ટ્રસ્ટ દ્વારા સંચાલિત ડાયગ્નોસ્ટિક સેન્ટરની ઓફિસમાં આવેલા બોરમાં આ વર્ષે પાણી ખૂટ્યા અને વેચાતા પાણીનાં ટેંકર મંગાવા પડ્યા. આ સમયે અમને વિચાર આવ્યો કે, વરસાદી પાણીનો વ્યય ન થાય અને આ પાણી બોર-કૂવા દ્વારા તળમાં ઉતરે તે માટે અભિયાન હાથ ધરવું જોઇએ અને એ આશયથી ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીને બોરમાં ઉતારવા અભિયાનની શરૂઆત કરી,”

“વરસાદી પાણી જો હવે તળમાં ઉતારી બચાવશું નહીં તો ભવિષ્યમાં ખુબ જ મુશ્કેલી પડશે. કેમ કે, જુનાગઢમાં કેટલાય એવા ઘરો છે કે, જ્યાંર એક જ ઘર-એપાર્ટમેન્ટમાં બે-બે બોર હોય. આ સ્થિતિ ગંભીર છે અને તેને નિવારવા સૌ કોઇ ભેગા મળે અને આ અભિયાનમાં જોડાય એ જરૂરી છે,” ભાવિનભાઇ છત્રાળાએ વધુ વિગતો આપતા કહ્યું.તેમણે કહ્યું કે, દરેક ઘરમાં કે એપાર્ટમેન્ટમાં બોર હોય છે અને ધાબા પરથી પાણી ઘરના તળ સુધી આવે ત્યા સુધી પાઇપ નાંખેલી જ હોય છે. ફક્ત આ પાઇપને બોરવેલ સુધી જોડવાની હોય છે. ઘણા ઘરોમાં તો માત્ર 1000 રૂપિયાથી ઓછા ખર્ચમાં આ કામ થઇ જાય છે. જો આ પાઇપો જોડવાનો ખર્ચ 1500 રૂપિયાથી વધુ હોય તો તે ખર્ચ રહેવાસીઓ આપે. અમે તેમને પ્રોત્સાહન રૂપે 1500 રૂપિયા રોકડ રકમ આપીએ છીએ,”.

મહત્વની વાત એ છે કે, જે લોકો બોરવેલ રિચાર્જ માટેની યોજનાનો લાભ લેવા માટે ફોન આવે એટલે ટ્રસ્ટ તેમને ત્યાં એક ટીમ મોકલે છે તેમાં પ્લમ્બર પણ હોય છે. પ્લમ્બર મોકવાનો ઉદેશ્ય એ છે કે, લોકોને આ કામ માટે પ્લમ્બર શોધવાની જરૂર ન પડે.

જુનાગઢનાં મીરાનગરમાં રહેતા જોધાભાઇ સોરઠીયાએ તેમના ઘરે બોર રિચાર્જ કરી વરસાદી પાણી જમીનમાં ઉતારે છે. તેમણે ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે, અમારા ઘરમાં અમે વર્ષો પહેલા વરસાદી પાણી સંગ્રહનો ટાંકો બનાવ્યો છે અને અમે એ વરસાદી પાણી જ પીવામાં વાપરીએ છે પણ હવે વધારાનું પાણી વ્યય ન જાય એ માટે બોરમાં ઉતાર્યુ અને એક પણ ટીંપુ વ્યય ન જાય તેની વ્યવસ્થા કરી. સમયની આ માગ છે અને કરવું જ પડશે,”.

તેમણે કહ્યું કે, તેમના ઘરમાં પહેલેથી જ પાણીની પાઇપો નાંખેલી જ હતી. વરસાદી પાણી બોર સુધી લઇ જવા માટે માત્ર 1200 રૂપિયાનો જ ખર્ચ થયો. ટ્રસ્ટે 1500 રૂપિયાની રોકડ સહાય કરી પ્રોત્સાહન આપ્યું.

શું તમે હજુ સુધી વરસાદી પાણી બોરમાં નથી ઉતાર્યુ ? તો આ જ કરો અને પાણી બચાવવાનાં અભિયાનમાં જોડાઇ જાવ.

(જો તમે જુનાગઢમાં રહો છો અને તમારા ઘરે-એપાર્ટમેન્ટમાં બોર રિચાર્જ કરાવવામાં માંગો છો તો આ ટ્રસ્ટનો સંપર્ક કરો. 8140153981 (ચિરાગભાઇ ભુવા) અને 9727804933 (સુરેશભાઇ).  
Published by: Vijaysinh Parmar
First published: July 9, 2019, 6:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading