રાજકોટ: શહેરમાં વધુ એક સગીરાને લગ્નની લાલચ (Marriage) આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ (Kidnapping) કર્યાની થોરાળા પોલીસ મથકમાં(tharola police station) ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી એમ હડિયા એ જણાવ્યું હતું કે, થોરાળા પોલીસ સ્ટેશનમાં 16 વર્ષ અને છ મહિના ઉંમર ધરાવતી દીકરીને શિવાજી નગર શેરી નંબર 8માં રહેતો સાગર ભરતભાઈ મકવાણા નામનો વ્યક્તિ લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયેલ હોય. જે બાબતે સગીરાના પિતા દ્વારા થોરાળા પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ આપતા થોરાળા પોલીસે આઈપીસીની કલમ 363, 366 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, દીકરીને ઘરમાં મરચું પૂરું થઈ જતા રાત્રિના સમયે કરિયાણાની દુકાને લેવા મોકલી હતી. ત્યારે દીકરી ઘરે પરત ન આવતાં કૌટુંબિક પરિવારજનોને ત્યાં દીકરી આવી છે કે કેમ તે બાબતે તપાસ કરી હતી.
આખરે દીકરી ક્યાંય મળી ન આવતા યાદ આવ્યું હતું કે એક વર્ષ અગાઉ અમારી જ જ્ઞાતિના ગીતાબેન ભરતભાઈ મકવાણા તેમના દીકરા સાગર ભરતભાઈ મકવાણા માટે માગુ લઈને આવ્યા હતા. પરંતુ સાગર મકવાણા ધંધો રોજગાર કે કરતો ન હોય જેથી અમે સગપણ માટે મનાઈ કરી દીધેલી હતી. ત્યારે સાગરના ઘરે પૂછપરછ કરવા જતા તેની માતા ગીતાબહેન જણાવ્યું હતું કે અમારો સાગર પણ ઘરે નથી.
આખરે અમારી શંકા સાચી સાબિત થઈ હતી. સાગર જ અમારી દીકરીને બહેલાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હોય તે વાત સામે આવી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે જ થોરાળા પોલીસ સ્ટેશનમાં એક અજીબો ગરીબ અપહરણ નો કિસ્સો સામે આવ્યો હતો. જે કિસ્સામાં કૌટુંબિક ભાઈ સાથે લગ્ન શક્ય ન હોવાના કારણે ચિઠ્ઠી લખી તરુણીએ પોતાનું ઘર છોડ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે થોરાળા પોલીસ દ્વારા તરુણી ગુમ થવા મામલે અપહરણની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.