#Missionpaani: રાજકોટમાં નવા બનનારા ફૂંવારામાં રિસાયકલ કરેલું પાણી વપરાશે

News18 Gujarati
Updated: August 7, 2019, 3:10 PM IST
#Missionpaani: રાજકોટમાં નવા બનનારા ફૂંવારામાં રિસાયકલ કરેલું પાણી વપરાશે
પ્રતિકાત્મક તસવીર

આગામી થોડા દિવસોમાં શહેરના બ્યુટીફીકેશન અંતર્ગત ભક્તિનગર સર્કલ, સોરઠીયાવાડી સર્કલ, રેસકોર્સ રિંગ રોડ પર પોલીસ હેડ ક્વાર્ટર પાસેનું સર્કલ, ૧૫૦ ફૂટ રિંગ રોડ પર સ્થિત અયોધ્યા સર્કલ અને અન્ય એક સર્કલમાં ફૂવારા શરૂ કરવામાં આવનાર છે.

  • Share this:
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ આજે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા હતાં. જેમાં પાંચ સર્કલમાં ફૂવારા, મોરમ પ્રથા પર બાન, વોંકળા ચેનલાઇઝ અને અર્બન ફોરેસ્ટ સાઈટ સ્થિત ખાણ ફરતે રેલીંગ બનાવવાનો સમાવેશ થાય છે.

આ નિર્ણયો વિશે વાત કરતા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં બ્યુટીફીકેશન માટેના આયોજનના એક ભાગ રૂપે આગામી દિવસોમાં શહેરના વિવિધ પાંચ સર્કલોમાં ફૂવારા શરૂ કરવામાં આવશે. આ આયોજનનું એક મહત્વનું પાસું એ છે કે આ તમામ ફૂવારામાં રિસાઈક્લ્ડ વોટર એટલે કે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધ કરવામાં આવતા પાણીનો ઉપયોગ કરવામાં આવશે. આજે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મળેલી એક મીટિંગમાં તેમણે સંબંધિત શાખાધિકારીઓને આવશ્યક સૂચનાઓ આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી થોડા દિવસોમાં શહેરના બ્યુટીફીકેશન અંતર્ગત ભક્તિનગર સર્કલ, સોરઠીયાવાડી સર્કલ, રેસકોર્સ રિંગ રોડ પર પોલીસ હેડ ક્વાર્ટર પાસેનું સર્કલ, ૧૫૦ ફૂટ રિંગ રોડ પર સ્થિત અયોધ્યા સર્કલ અને અન્ય એક સર્કલમાં ફૂવારા શરૂ કરવામાં આવનાર છે. જો કોઈ સામાજિક કે અન્ય સંસ્થા આ સર્કલ ડેવલપમેન્ટ માટે કરારબદ્ધ હશે તો તેને ફૂવારા રિસાઈક્લ્ડ વોટર નિ:શૂલ્ક ધોરણે આપવામાં આવશે.

કમિશનરે અન્ય નિર્ણયો વિશે કહ્યું હતું કે, ચોમાસાની ઋતુમાં શહેરના માર્ગો પર પડતા ખાડાઓ પૂરવા માટે અત્યાર સુધી મોરમ અને મેટલનો ઉપયોગ થતો આવ્યો છે પરંતુ હવે આજથી જ મોરમ પ્રથા બંધ કરવામાં આવે છે. હવેથી ખાડા પૂરવા માટે મેટલ અને પેવિંગ બ્લોકનો ઉપયોગ શરૂ કરવામાં આવી રહયો છે.
તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સૌથી મોટા અને આશરે ૪૭ એકરમાં વિકસિત થનાર અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટનો રાજકોટના આજી ડેમ સાઈટ ખાતે વ્રુક્ષારોપણના માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટની સૌથી બેસ્ટ સાઈટ તરીકે વિકાસ પામનાર અર્બન ફોરેસ્ટ સાઈટ ખાતે ખાણ આવેલી છે. આ ખાણની ફરતે વ્યવસ્થિત મજબૂત રેલીંગ ફીટ કરવામાં આવશે.

આ દરમ્યાન સમગ્ર શહેરને સ્પર્શતા અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણયમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોંકળાઓ મારફત વરસાદી પાણીનો વિનાઅવરોધ નિકાલ થઇ શકે તે માટે એક આયોજન હાથ પર લેવાયું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વસતા નાગરિકોની સુખાકારી માટે મૂળભુત પ્રાથમિક સુવિધાઓ જેવી કે બાંધકામ, રસ્તા, ડ્રેનેજ, વોટર વર્કસ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, સફાઈ વિગેરે પૂરી પાડવામાં આવે છે.શહેરમાં અગાઉનાં વર્ષો દરમિયાન પડેલ વરસાદનાં આંકડા જોતા, છેલ્લાં બે-ત્રણ વર્ષથી સરેરાશ કરતા વધુ વરસાદ પડે છે,જેનાં લીધે નાગરિકોની માલ-મિલકત તથા જાન-માલને થતું નુકશાન અટકાવવા માટે વરસાદી પાણીનાં નિકાલની વ્યવસ્થા અંગે આવશ્યક પગલાં ભરવા ખૂબ જરૂરી જણાય છે, જે અન્વયે સ્ટોર્મ વોટર ડીસ્પોઝલની વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા શહેરનાં હયાત વોંકળાઓને(Natural Waterway) સુરક્ષિત કરવા તથા સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કનાં નક્કર આયોજન માટે વિવિધ કામગીરીઓ સંબંધિત વિભાગોએ સંલગ્ન ઝોનનાં નાયબ કમિશનરશ્રીઓનાં સીધા સુપરવિઝન હેઠળ કરવા આદેશ આપવામાં આવેલો છે.

આ રહી મહત્વની સૂચનાઓ

(૧) ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણીનું વહેણ/વહન વધુ રહેતું હોય તેવા તમામ રસ્તાઓ પરનાં સ્થાયી/અસ્થાયી પ્રકારનાં તમામ દબાણો દૂર કરવાની કામગીરી દબાણ હટાવ શાખાએ કરવી તેમજ આ રસ્તાઓ પર વરસાદી પાણીનાં નિકાલને અવરોધરૂપ બનતા બિન-અધિકૃત બાંધકામો દૂર કરવાની કાર્યવાહી ટી.પી. શાખા દ્વારા થશે.

(૨) શહેરનાં હયાત તમામ વોંકળાઓ(Natural Waterway)ને સુરક્ષિત રાખવા માટે તેમજ સાફ રહે તે હેતુસર વર્ષવાઈઝ બજેટ જોગવાઇ કરીને પાકા કરવા/રિટેઇનીંગ વોલનું બાંધકામ કરવાની કાર્યવાહીનું આયોજન બાંધકામ શાખા દ્વારા ટી.પી. શાખા પાસેથી વોંકળાનું ડીમાર્કેશન મેળવી કરવામાં આવનાર છે.

(૩) બાંધકામ શાખાનાં ઝોનલ સિટી એન્જિનિયરશ્રીઓએ તેમના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ થતાં વિસ્તારોમાં ચોમાસાની ઋતુ દરમિયાન કયાં-કયાં સ્થળોએ, કેટલાં સમય સુધી, કયાં કારણોસર/પરિબળોથી વરસાદી પાણી ભરાયેલ છે અને આજુ-બાજુમાં આ વરસાદી પાણીનાં નિકાલની શું વ્યવસ્થા છે? વિગેરે બાબતોની વિસ્તારવાઇઝ વિગતો તૈયાર કરીને સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કની કામગીરી બાંધકામ શાખા કરશે.

(૪) શહેરનાં જુદાં-જુદાં વિસ્તારોમાં કુદરતી પાણીનાં વહેણ દર્શાવેલ હોય તે સ્થળોમાં ટી.પી. શાખાએ કોઈપણ પ્રકારની બાંધકામ પરવાનગી આપશે નહીં.
(૫) શહેરની વિવિધ વિસ્તારોની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમોમાં પાણીનાં વોંકળા/વહેણ(Natural Waterway)માં ટી.પી.રોડ સૂચિત કરવામાં આવેલ હોય, તે ટી.પી. રોડને ફરી વોંકળા/વહેણ તરીકે યથાવત રાખવા માટે ટી.પી. વેરીડ કરવાની કાર્યવાહી ટી.પી. શાખા દ્વારા તાકીદે હાથ ધરવામાં આવનાર છે.
(૬) નવી ટી.પી. સ્કીમ બનાવતી વખતે કુદરતી નાળા/વોંકળાઓને(Natural Waterway) યથાવત રાખીને ટી.પી. સ્કીમ તૈયાર કરવાની કાર્યવાહી ટી.પી. શાખા કરશે.

(૭) શહેરની જે ટી.પી. સ્કીમો અંતર્ગત વોંકળાની(Natural Waterway) જગ્યાએ ટી.પી. રોડ બની ગયેલ હોય, ત્યાં સ્ટોર્મ વોટર ડ્રેઇન ડીઝાઇન કરીને ફરીથી તેનો વિકાસ કરવાની કાર્યવાહી બાંધકામ શાખા દ્વારા કરવામાં આવનાર છે.

(૮) શહેરની મંજૂર થયેલ ટી.પી. સ્કીમોમાં નાળા/વોંકળાઓની(Natural Waterway) જગ્યાએ ટી.પી. રોડ ફાઇનલ થયેલ હોય, તેમાં યોગ્ય ડીઝાઇન મુજબ સ્ટોર્મ વોટર ડ્રેનેજનું પ્રોવિઝન રાખીને બાંધકામ શાખા કાર્યવાહી કરશે.
(૯) ટાઉન પ્લાનીંગ શાખાએ શહેરનાં હયાત વોંકળાઓ(Natural Waterway) પૈકીની જમીનો બાંધકામ કે અન્ય હેતુ માટે ભરતી-ભરણી તરીકે વેંચાણ કરવી નહીં કે ભાડા પટ્ટે આપવી નહીં તે અંગે પણ આદેશ આપવામાં આવેલ છે.
(૧૦) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરમાં હયાત તમામ નાળા/વોંકળાઓની આખા વર્ષ દરમિયાન નિયમિતપણે સફાઇની કામગીરી થાય તે માટે તકેદારી રાખવા સૂચના આપવામાં આવેલ છે.

(૧૧) રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ઇમારત તોડવા, સમારકામ અથવા તો નવા બાંધકામ દરમિયાન ઉપસ્થિત થતા બાંધકામને લગત કચરા (Construction and Demolition Waste)નો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયત કરાયેલ જગ્યા સિવાય એટલે કે વોંકળાનાં(Natural Waterway) સ્થળોએ નિકાલ ના થાય અને તેનો વ્યવસ્થિતપણે નિકાલ થાય તેની કડક અમલવારી ટી.પી. શાખા તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કરવામાં આવશે.
Published by: Vijaysinh Parmar
First published: August 7, 2019, 2:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading