India-China Standoff: ચીનના રક્ષા મંત્રીને રાજનાથસિંહની સ્પષ્ટ વાત- તમારા સૈનિકોને પાછળ હટાવવા જ પડશે

News18 Gujarati
Updated: September 5, 2020, 7:59 AM IST
India-China Standoff: ચીનના રક્ષા મંત્રીને રાજનાથસિંહની સ્પષ્ટ વાત- તમારા સૈનિકોને પાછળ હટાવવા જ પડશે
ચીનના રક્ષા મંત્રી સાથે મુલાકાત કરી રહેલા રાજનાથસિંહ.

Defence Minister Rajnath Singh meets General Wei Fenghe: LAC પર છેલ્લા ચાર મહિનાથી ભારત અને ચીનના સૈનિકો આમને સામને છે. આ બેઠકમાં સરહદ પર તણાવ ઓછો કરવા મામલે ચર્ચા થઈ હતી.

  • Share this:
નવી દિલ્હી : ભારતના રક્ષા મંત્રી રાજનાથસિંહ (Defence Minister Rajnath Singh) અને ચીનના રક્ષા મંત્રી વેઈ ફેંગહી (Wei Fenghe) વચ્ચે શુક્રવારે મૉસ્કોમાં મુલાકાત થઈ હતી. આશરે બે કલાક 20 મિનિટ સુધી ચાલેલી આ બેઠક ખૂબ જ મહત્ત્વની રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હકીકતમાં પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવના માહોલમાં બંને નેતાઓ વચ્ચે પ્રથમ ફેસ ટૂ ફેસ બેઠક થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા ચાર મહિનાથી LAC પર બંને દેશની સેના આમને-સામને છે. એવામાં આ બેઠકમાં તણાવ ઓછો કરવા અંગે ચર્ચા થઈ હતી. બંને નેતા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) માટે મૉસ્કો પહોંચ્યા હતા. આ પહેલા ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા (Harsh Vardhan Shringla)એ કહ્યું હતું કે સીમા પર હાલત અભૂતપૂર્વ છે.

બંને નેતા વચ્ચે શું વાતચીત થઈ?

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાતચીત દરમિયાન રાજનાથસિંહે લદાખમાં યથાસ્થિતિ બનાવી રાખવાની વાત કરી હતી. આ ઉપરાંત સૈનિકોને ઝડપથી ખસેડી લેવાની વાત પર ભાર આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, શાંતિ માટે ચીનના સૈનિકોએ પાછળ હટવું જ પડશે. હકીકતમાં ગત અઠવાડિયે ત્યો ખીણમાં થયેલી તકરાર બાદ વિવાદ વધતો નજરે પડી રહ્યો છે. ભારતીય સેનાએ પીપલ્સ લિબરેશન પાર્ટીને પાછળ ધકેલીની રણનીતિક રીતે એક મહત્ત્વની પોસ્ટ પર કબજો કરી લીધો છે. ભારતના પલટવારથી ચીન રઘવાયું થયું છે. બીજી તરફ ચીન પેન્ગોંગ ત્યોની ઉત્તર ઘાટી અને ગોગરા પોસ્ટ પરથી હટવા માટે તૈયાર નથી.

રાજનાથસિંહની અપીલ

ભારતીય પ્રતિનિધિમંડળમાં રક્ષા સચિવ અજય કુમાર અને રશિયામાં ભારતના રાજદૂત ડીબી વેંકટેશ વર્મા સામેલ હતા. આ પહેલા રક્ષા મંત્રી રાજનાથસિંહે એસસીઓમાં પોતાના સંબોધનમાં કહ્યુ હતુ કે, શાંતિ અને સુરક્ષા માટે વિશ્વાસનો માહોલ, બિન-આક્રમકતા, આંતરરાષ્ટ્રીય નિયમો પ્રત્યે સન્માન અને મતભેદોનું શાંતિથી નિવારણ જરૂરી છે. રક્ષા મંત્રીના આ નિવેદનને પૂર્વ લદાખમાં ચીન સાથે સીમા વિવાદ સાથે જોડીને જોવામાં આવે છે. નોંધનીય છે કે વિદેશ મંત્રી એસ. જયશંકર પણ આગામી અઠવાડિયે વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે રશિયા જઈ રહ્યા છે.
સીમા પર અભૂતપૂર્વ સ્થિતિ

આ પહેલા શુક્રવારે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યુ કે, સીમા પર છેલ્લા 40 વર્ષમાં ક્યારેય આવી હાલત નથી જોવા મળી. એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, "ભારત-ચીન સીમા પર અભૂતપૂર્વ માહોલ છે. 1962 પછી આપણી સામે આવી સ્થિતિ ક્યારેય નથી ઊભી થઈ. આપણે પ્રથમ વખત આપણા સૈનિકો ગુમાવ્યા છે, આવું 40 વર્ષમાં ક્યારેય નથી થયું. આપણી સંપ્રભુતા અને અખંડિતતા સાથે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે. પરંતુ એક જવાબદાર દેશ તરીકે આપણે હંમેશા વાતચીત માટે તૈયાર છીએ."
Published by: Vinod Zankhaliya
First published: September 5, 2020, 7:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading