તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ના પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદી (Dinesh Trivedi) બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં બીજેપીમાં શામેલ થયા હતા.
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી (West Bengal Elections 2021) પહેલા જ બીજેપીમાં મોટા માથાં શામેલ થઈ રહ્યા છે. આ જ ક્રમમાં હવે તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ના પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદી (Dinesh Trivedi) બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં બીજેપીમાં શામેલ થયા છે.
આ પહેલા તૃણમૂલ કૉંગ્રેસથી નારાજ અનેક મોટા ચહેરા બીજેપીમાં શામેલ થઈ ચૂક્યા છે. તમામ લોકોએ બીજેપીમાં શામેલ થઈને બંગાળમાં બીજેપીને મજબૂત કરવાનું કામ કર્યું છે. એવા પણ સમાચાર છે કે બીજેપી હવે પશ્ચિમ બંગાળમાં અનેક મોટા ચહેરાઓને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન તેમજ બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીથી લઈને મિથુન ચક્રવર્તી સુધી દિગ્ગજ લોકો બીજેપીમાં શામેલ થશે તેવી વાત ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે પ્રસિદ્ધ બંગાળી એક્ટર યશ દાસગુપ્તા બીજેપીમાં શામેલ થયા છે. તેમની સાથે લગભગ અડધો ડઝન કલાકારો બીજેપીમાં શામેલ થયા છે. જેમાં વેટરન એક્ટર પાપિયા અધિકારી પણ શામેલ છે. દાસગુપ્તા બીજેપીમાં જોડાયા તેના એક દિવસ પહેલા જ મિથુન ચક્રવર્તી સંઘ પ્રમુખ મોહન ભાગવતને મળ્યા હતા. જે બાદમાં મિથુન ચક્રવર્તી બીજેપીમાં શામેલ થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
દિનેશ ત્રિવેદીનું રાજીનામુંઉલ્લેખનીય છે કે દિનેશ ત્રિવેદીએ ગત મહિને તૃણમૂલ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. દિનેશ ત્રિવેદીના રાજીનામા પર ટીએમસી સાંસદ સુખેન્દુ એસ. રોયે કહ્યું હતુ કે, તૃણમૂલનો અર્થ છે જમીન સાથે જોડાયેલું. તેનાથી અમને રાજ્યસભામાં ટૂંક સમયમાં જમીની સ્તરના કાર્યકર્તાને મોકલવાની તક મળશે.
દિનેશ ત્રિવેદીને જ્યારે બજેટ પર ચર્ચા દરમિયાન બોલવા માટે કહેવામાં આવ્યું તો તેઓએ કહ્યું હતુ કે, હું ગૂંગળામણઅનુભવી રહ્યો છું. સાંસદે કહ્યું કે આજે રાજ્યસભાથી રાજીનામું આપી રહ્યો છું. મારા રાજ્યમાં હિંસા થઈ રહી છે. પણ અમે અહીં કંઈ પણ બોલી નથી શકતા.