આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના ઘાટા ગામ પાસે આજે ફરી એક વાર પશુઓ ચરાવવા ગયેલ યુવક પર રીંછે (Bear Attack) હુમલો કર્યો હતો. રીંછે હુમલો કરતા યુવકને માથા અને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ (palanpur civil hospital) ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યારે રીંછના હુમલાની ઘટનાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. અને તાત્કાલિક આવા હિંસક રીંછ ન પકડી પાંજરે પુરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઘાટા ગામ પાસે એક યુવક પર રીંછે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.' ઘાટા ગામનો એક યુવક પશુઓ ચરાવવા માટે તેના ખેતરે ગયો હતો અને પશુઓ ચરાવીને પરત આવી રહ્યો હતો તે સમયે અચાનક રીંછે હુમલો કર્યો હતો.
હુમલામાં યુવકને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જો કે યુવકે બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવતા લોહીલુહાણ હાલતમાં યુવકને છોડી રીંછ નાસી ગયું હતું. બાદમાં સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ ગામ જેસોર અભ્યારણ પાસે આવેલું છે અને તે રીંછ માટેનું અભ્યારણ છે ત્યારે રીંછ કે દીપડા જેવા વન્ય પ્રાણીઓ અનેકવાર ખોરાકની શોધમાં કે રસ્તો ભૂલો પડતા રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવે છે અને લોકો પર હુમલાની ઘટનાઓ બને છે.
અને છેલ્લા એક વર્ષમાં રીંછે હુમલો કર્યો હોવાની અમીરગઢ તાલુકામાં પાંચમી ઘટના બને છે અને દર વખતે રીંછના હુમલામાં લોકોને ગંભીર ઈજાઓ પહોંચે છે ત્યારે આ વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે વનવિભાગ દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે.