ગાંધીનગર: આજરોજ બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક (Cabinet meeting) મળી હતી. જેમાં ખેડૂતો પાસેથી તુવેર, રાઈડો અને ચણાની ટેકાના ભાવે ખરીદીની તારીખો અને ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા (Minister Jayesh Radadiya)એ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. જયેશ રાદડિયાએ જાહેરાત કરી હતી કે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ટેકાના ભાવનું પેમેન્ટ પણ ખેડૂતોને ચૂકવી આપવામાં આવ્યું છે. જો કોઈને પેમેન્ટ બાકી હશે તો બે ત્રણ દિવસમાં ચૂકવી દેવામાં આવશે. આ ઉપરાંત ડાંગર અને મકાઈની ખરીદીની તારીખો લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.
અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક બાબતના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જાહેરત કરી છે કે આગામી 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન તુવેરની નોંધણી કરાવી શકાશે. આ નોંધણી ગ્રામ્ય સ્તરે પણ કરી શકાશે. જે બાદમાં જેમણે પોતાની તુવેરની નોંધણી કરાવી હશે તેમની તુવેરની ખરીદી પહેલી ફેબ્રુઆરીથી પહેલી પહેલી મે સુધી કરવામાં આવશે. 105 માર્કેટિંગ યાર્ડ મારફતે 6,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવશે.
ખેડૂતો ચણાનું ટેકાના ભાવે વેચાણ માટે પહેલી ફેબ્રુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી નોંધણી કરાવી શકશે. જે બાદમાં 16મી ફેબ્રુઆરીથી 16મી મે સુધી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવશે. ક્વિન્ટલ દીઢ 5,100 રૂપિયાના ભાવે 188 ખરીદી કેન્દ્રો પરથી ચણાની ખરીદી થશે.
આ પણ વાંચો: ગીર-સોમનાથ: દીપડાના બચ્ચાઓની પજવણી કરવાનો વીડિયો વાયરલમંત્રી રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ થઈ ગઈ છે. અત્યાર સુધી 18,772 ખેડૂતોએ પોતાની મગફળી વેચી છે. સરકારે 16 હજાર કરોડની ખરીદી કરી છે. આ સાથે જ ડાંગર અને મકાઈની ખરીદીની પ્રક્રિયા લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. હવે 31મી જાન્યુઆરી સુધી ખરીદી પ્રક્રિયા ચાલશે.