

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકાનું પાત્ર ભજવનારા ધનશ્યામ નાયક છેલ્લા નવ મહિનાથી ટીવી શોમાં ગૂમ હતાં. તેમને સ્પટેમ્બર મહિનામાં જ ગળાની ગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન દરમિયાન તેમને આઠ ગાંઠ બહાર કાઢવામાં આવી છે. ત્રણ મહિનાથી સતત કેન્સરની ટ્રીટમેન્ટ તેમણે લીધી હતી જે બાદ હવે તેઓ સ્વાસ્થ્યમાં ઘણો જ સુધારો જોવા મળ્યો છે. નવ મહિનાનાં લાંબ અંતરાલ બાદ નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકે શોનું શૂટિંગ કર્યુ છે અને શૂટિંગ બાદ તેમમે તેમનો અનુભવ પણ શેર કર્યો છે.


ઘનશ્યામ નાયકે એટલે કે નટુ કાકાએ દૈનિક ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, 'મેં છેલ્લે 16 માર્ચે શૂટિંગ કર્યું હતું. લોકડાઉનને કારણે અમારે શૂટિંગ અટકાવવું પડ્યું હતું. જ્યારે અનલૉક થયું ત્યારે હું સેટ પર જઈ શકુ તેમ ન હતું. મહારાષ્ટ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે તે સમયે 65 કે તેની વધુ વયના કલાકારો શૂટિંગ કરવાની પરવાનગી નહોતી. આ દરમિયાન મારે ગળાનું ઓપરેશન કરાવવું પડ્યું અને ગાંઠો કાઢવામાં આવી હતી. હવે હું એકદમ ફિટ છું અને સેટ પર પાછો આવી ગયો છું. ફરીથી શૂટિંગ શરૂ કરવાની મને ઘણી જ મજા આવી, કારણ કે હું મારા આ કામને મિસ કરતો હતો. પૂરા 9 મહિના પછી (16 માર્ચથી 16 ડિસેમ્બર) કેમેરાની સામે આવીને ઘણો જ સંતુષ્ટ થયો છું.'


શૂટિંગનાં પહેલાં દિવસ અંગે વાત કરતાં નટુકાકાએ કહ્યું હતું, 'અસિત મોદી તથા તેમના ટીમ મેમ્બર્સે મારું ઘણું જ ધ્યાન રાખ્યું હતું. હું તમામનો આભારી છું. મારો પહેલો સીન જેઠાલાલ (દિલીપ જોશી) તથા બાઘા (તન્મય વેકરિયા)ની સાથે હતો. બંનેએ મને સીન કરતાં સમયે કમ્ફર્ટ ફીલ કરાવ્યું હતું. મને સંવાદો બોલવામાં સહેજ પણ તકલીફ પડી નહોતી. નટુકાકા ગડા ઈલેક્ટ્રોનિક્સમાં પરત આવી ગયા છે. આ એપિસોડ આગામી 2-3 દિવસમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે.'