

અંકિત પોપટ, રાજકોટઃ શહેરમાં આજે મોડી સાંજે રસ્તા ઉપર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. શહેરના રેસકોર્સ રિંગરોડ પર સીટબેલ્ટ (Seatbelt) પહેર્યા વગર કાર ચલાવનાર યુવતીને મહિલા પોલીસ કર્મચારીએ (lady police) રોકતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારે ઉગ્ર બોલાચાલીની વચ્ચે (woman clash with police) યુવતીની માતાએ પોલીસને પોતાનો ક્લાસ ટુ ઓફિસર (Class to Officer) હોવાનો રૂઆબ બતાવતા કહ્યું હતું કે સામાન્ય પબ્લિકને હેરાન કરીને શું મળવાનું તેવડ હોય તો બુટલેગરોને પકડીને બતાવો.


રાજકોટ શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર સાંજના છ વાગ્યા બાદ મહિલા પોલીસ સ્ટેશન નજીક મહિલા પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવે છે. તો માસ્ક પહેર્યા વગર તેમજ સીટ બેલ્ટ બાંધ્યા વગરના વાહનચાલકોને રોકી તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે. ત્યારે દર રોજની માફક આજે પણ મહિલા પોલીસનો કાફલો વાહન ચેકિંગ કરી રહ્યો હતો. આ સમયે સીટ-બેલ્ટ બાંધ્યા વગર નૂપુર (નામ બદલેલ છે) નામની યુવતી રેસકોર્સ રિંગ રોડ પરથી પોતાની કાર લઈ નીકળી હતી.


આ સમયે મહિલા પોલીસ દ્વારા તેને રોકવામાં આવી હતી. પરંતુ તેને પોતાની કાર ફૂલ સ્પીડમાં હંકારી કાઢી હતી. ત્યારે પોલીસ દ્વારા તેની કારનો પીછો કરી તેની કારને રસ્તામાં જ આંતરી લેવામાં આવી હતી. ત્યારે જોતજોતામાં મહિલા પોલીસને યુવતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો વધુ બિચકતા ઘટનાસ્થળે અસંખ્ય લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું.


ત્યારે થોડીક જ વારમાં યુવતીની માતા પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જ્યારે પોલીસ સાથે શરૂઆતમાં વાત કરતાં જણાવ્યું હતું કે સામાન્ય લોકોને હેરાન કરીને તમને શું મળી જવાનું છે? ત્રેવડ હોય તો બુટલેગરોને પકડીને બતાવો. ત્યારે ઘટનાસ્થળ પર ગણતરીની જ મિનિટમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ તેમજ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ આવી પહોંચ્યો હતો.


ત્યારે માતા તેમજ તેની પુત્રીને પ્રદ્યુમન નગર પોલીસ મથકે લઇ જવામાં આવી હતી. જ્યાં બન્ને પક્ષે સમાધાન થઈ જતા પોલીસે ફરજ રુકાવટ નો ગુનો દાખલ કરવાને બદલે માત્ર સીટ-બેલ્ટ ન પહેરવાનો હાજર દંડ લઈ યુવતીને તેમજ તેની માતાને જવા દીધા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુવતીની માતા રાજકોટ શહેરની કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. ત્યારે ઉગ્ર બોલાચાલી દરમિયાન મહિલા પીએસઆઇ અને આસીસ્ટન્ટ પ્રોફેસરની દીકરી વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી.આ સમયે પીએસઆઇને ગળાના ભાગે લખવા કરતા સામાન્ય ઈજા પણ પહોંચી હતી.