

સંજય ટાંક, અમદાવાદ, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના (Gujarat Technology University ) સ્ટાર્ટ અપ્સએ (Start ups) લો-કોસ્ટ વોટર પ્યોરીફાયર (Low-cost water purifier) આરઓ મશીન બનાવ્યું છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ RO મશીનમાં ગ્રેફિનના મોલિકૂલ્સ અને ઈ-વેસ્ટ એવા મોબાઈલ સ્ક્રીનનો (Mobile screen) સોલર પેનલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ RO કોઈ પણ પ્રકારના વિદ્યુત ઉપકરણની મદદ વગર 10 વર્ષ સુધી 1.50 લાખ લિટર પાણી પ્યોરીફાયર કરી શકે છે. આ RO મશીનના રિસર્ચ પાછળ 9 વર્ષ જેટલો સમય લાગ્યો છે.


કેન્દ્ર સરકારના મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના અભિયાન અંતર્ગત GTUના ઈનોવેશન સેન્ટર સુરતના સ્ટાર્ટઅપ અભિમન્યુ અને વરદાન રાઠી નામના ઈનોવેટર્સ દ્વારા નજીવી કિંમતના રોકાણથી કાર્યરત વોટર પ્યોરીફાયર મશીન “વરદાન” બનાવ્યું છે. જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ દ્વારા આ સ્ટાર્ટઅપને અત્યાર સુધી સાડા 21 લાખ સુધીની ગ્રાંન્ટ અપાઈ ચૂકી છે. આ અંગે અભિમન્યુ રાઠીએ જણાવ્યું કે લો કોસ્ટ વોટર પ્યોરીફાયર મશીનના નિર્માણ માટે અનેક પ્રકારના રિસર્ચ કરીને કોઈ પણ પ્રકારના વિદ્યુત ઉપકરણની સહાય વગર કાર્યરત આરઓ મશીનનું નિર્માણ કર્યું છે.


આર્થિક રીતે પરવડે તેવા ગ્રેફિનના મોલિકૂલ્સ અને ઈ-વેસ્ટ એવી મોબાઈલ સ્ક્રીનનો સોલર પેનલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. નોર્મલ કાચમાં ઇલેક્ટ્રિસિટી પાસ થતી નથી પણ મોબાઈલ સ્ક્રીનમાં ઇલેક્ટ્રિસિટી પાસ થાય છે. જેથી બે મોબાઈલની સ્ક્રીન પર કેમિકલ પ્રોસેસ કરી સોલાર પેનલ બનાવાય છે. જેનો બેક્ટેરીયા અને વાયરસના નાશ માટે અલ્ટ્રાવાયોલેટ (યુવી) કિરણોનો ઉપયોગ કરીને પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે.


આ RO 1 કલાકના સમયમાં 40 લિટર પાણીનું શુદ્ધિકરણ કરી શકે છે. અન્ય આરઓમાં 1 લિટર પાણીના શુદ્ધિકરણ માટે 3 લિટર પાણીનો બગાડ થતો જોવા મળે છે. જ્યારે વરદાનમાં પાણીનો બગાડ નહીવત પ્રમાણમાં છે. યુવી અને ગ્રેફિનના ઉપયોગથી હેવી મેટલ્સ અને હાનીકારક બેક્ટેરીયા , વાયરસનું શુદ્ધિકરણ મહત્તમ પ્રમાણમાં થાય છે. જ્યારે ટીડિએસના પ્રમાણમાં દરેક પ્રકારના પાણીની ટીડિએસમાંથી 10% શુદ્ધિકરણ કરે છે.


આ ROની ખાસ વિશેષતા એ છે કે, તે કોઈ પણ પ્રકારના મેઈન્ટનેન્સ વગર 10વર્ષ સુધી 1.50 લાખ લિટર પાણીનું શુદ્ઘિકરણ કરી શકે છે. યુનાઈટેડ નેશન્સ ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (યુનિડો) દ્વારા પણ વરદાનને ઈન્ટરનેશનલ લેવલે મદદરૂપ થવા માટે તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અબુધાબી અને જર્મનીમાં પણ વરદાનની નિકાસ આગામી સમયમાં કરવામાં આવશે. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે આ સંદર્ભે જણાવ્યું કે આ સ્ટાર્ટઅપ દેશના દરેક જનસામાન્ય માટે ખૂબ જ ઉપયોગી નિવડે છે.