

કેતન પટેલ, બારડોલી : ગુજરાતીમાં એક કહેવત છે સૂળીનો ઘા સોઈથી ટળ્યો આ કહેવત બારડોલીના (Bardoli) એક કાર ચાલક માટે ખૂબ યથાર્થ થઈ છે. અહીંયા આજે એક ગમખ્વાર અકસ્માતમાં હજારો કિલો વજન ભરેલો ટ્રક અલ્ટો (Alto-Truck Accident) કાર માથે ખાબક્યો હતો. જોકે, સદનસીબે કાર ચાલકનો આ અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો છે. અકસ્માતમાં જે રીતે કારનો છૂંદો બોલી ગયો તે જોતા અંદર સવાર વ્યક્તિનો જીવ બચવો અસંભવ જણાતો હતો પરંતુ કિસ્મતમાં જિંદગી હોય ત્યારે વ્યક્તિ મોતને હાથ તાળી આપતો હોય છે.


બનાવની તસવીરો એવી છે કે જોઈને ભલભલાના રૂવાંડા ઊભા થઈ જાય. બારડોલીના ઘૂલિયા ચાર રસ્તા પાસે આજે બપોરે એક કાળમુખો ટ્રક વજનના કારણે પલટી ગયો હતો.જોકે, તે પલટીને નજીકમાંથી પસારથતી અલ્ટો માથે ખાબક્યો હતો.


આ કારના ચાલકને ક્રેનની મદદથી કાર બહાર કાઢીને બચાવ્યો હતો. જેવી રીતે રામ રાખે તેને કોણ ચાખે એવી જ રીતે આ કિસ્સામાં ચાલકનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ થતા કેબિનેટ મંત્રી દોડી આવ્યા હતા.


ઘાયલ કાર ચાલકને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં સારવાર માટે હૉસ્પિટલ માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ આ અકસ્માતે એક કાર ચાલકને આજે નવજીવન આપ્યું છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. કારણ કે જે સ્થિતિમાં કાર મળી આવી તેને જોતા અંદર રહેલી જીવન બચી જવો ચમત્કારથી વિશેષ કઈ નથી.