

રોયલ ચેલેન્જર્સ બેંગલોર આઈપીએલની એવી ટીમ રહી છે જે પોતાના દમદાર ખેલાડીઓના કારણે હંમેશા લોકપ્રિય રહી છે. આ વખતે પણ ટીમ પાસે વિરાટ કોહલી, ડી વિલિયર્સ, શિમરોન હેટમાયર જેવા ક્રિકેટ વર્લ્ડના એવા નામો છે જેના માટે પ્રશંસકો દિવાના રહે છે. સ્ટાર ખેલાડી હોવા છતા ટીમ હજુ સુધી ચેમ્પિયન બની નથી. શું વિરાટ કોહલી પ્રથમ વખત ટીમને ચેમ્પિયન બનાવી શકશે તે જોવું રસપ્રદ રહેશે?


પ્લે બોલ્ડ હેશટેગ સાથે રમનાર રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમનો માલિકાના હક રોયલ ચેલેન્જર્સ પ્રાઇવેટ લિમિટેડ પાસે છે. 2008, 2012, 2013, 2014, 2017 અને 2018માં લીગ સ્ટેજમાં આગળ વધવામાં નિષ્ફળ રહેલી આ ટીમ 2010માં સેમિ ફાઇનલમાં પહોંચી હતી. 2009, 2011 અને 2016માં ટીમ રનર્સ અપ રહી હતી. આરબીસી 2008થી અત્યાર સુધી 167 મેચ રમ્યું છે. આ દરમિયાન તેણે 78 જીત મેળવી છે અને 84માં પરાજય થયો છે. બે મેચ ટાઇ રહી છે અને ત્રણ અનિર્ણિત રહી છે. તેમની જીતની ટકાવારી 48.17 છે.


આ ટીમનો હેડ કોચ ડેનિયલ વિટ્ટોરી છે અન બેંગલોરનું એમ.ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમ આ ટીમનું હોમગ્રાઉન્ડ છે. વિરાટ કોહલી, ડી વિલિયર્સ, શિમરોન હેટમાયર, ચહલ, સ્ટોઇનિસ જેવા સ્ટાર ખેલાડી છે.


ઓક્શન 2019 - બેંગલોરને શરુથી અત્યાર સુધી બેટિંગ પાવરહાઉસ માનવામાં આવતું હતું પણ ટીમ હજુ સુધી ટાઇટલથી દૂર છે. આ વખતે ટીમે 5 કરોડ રુપિયામાં શિવમ દુબે અને હેટમાયરને 4.20 કરોડમાં ખરીદીને બધાને ચોંકાવી દીધા છે. આ સિવાય આકાશદીપ નાથ (3.6 કરોડ) અને પ્રયાસ બર્મન (1.5 કરોડ) જેવા ખેલાડી પણ છે.


આ ટીમની અસલી તાકાત બેટિંગ છે, જેને કેપ્ટન વિરાટ કોહલી, ડી વિલિયર્સ, ક્લાસેન, હેટમાયર અને પાર્થિવ પટેલ ખાસ બનાવે છે. જ્યારે મોઈન અલી, ગ્રાન્ડહોમ અને વોશિંગ્ટન સુંદર જેવા ઓલરાઉન્ડર ટીમને મજબૂત બનાવે છે. ઉમેશ યાદવ, નાથન કુલ્ટર નાઇલ, મોહમ્મદ સિરાજ. ચહલ અને ટીમ સાઉથી જેવા બોલરો છે.


આ ટીમમાં 8 વિદેશી અને 16 ભારતીય સહિત કુલ 24 ખેલાડી છે. વિરાટ કોહલી (કેપ્ટન), ડી વિલિયર્સ, મિલિંદ કુમાર, હિંમત સિંહ, હેટમાયર, પાર્થિવ પટેલ, ક્લાસેન, મોઈન અલી, કોલિન ગ્રાન્ડહોમ, માર્કસ સ્ટોઇનિસ, પ્રયાસ રે બર્મન, અક્ષદીપ નાથ, ગુરકીરત સિંહ, શિવમ દુબે, યુજવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, પવન નેગી, ખેજરોલિયા, ઉમેશ યાદવ, નવદીપ સૈની, નાથન કુલ્ટર નાઇલ, મોહમ્મદ સિરાજ, ટીમ સાઉથી.