કોરોનાકાળમાં ગુજરાતના આ મહાનુભાવોની થઇ છે 'વસમી વિદાય'

News18 Gujarati
Updated: April 19, 2021, 11:13 AM IST
કોરોનાકાળમાં ગુજરાતના આ મહાનુભાવોની થઇ છે 'વસમી વિદાય'
ગુજરાતનાં સીએમ રૂપાણીથી માંડીને અનેક રાજકીય નેતાઓ અને મહાનુભાવોએ કોરોના સંક્રમણને પરાસ્ત કર્યો છે.

ગુજરાતનાં સીએમ રૂપાણીથી માંડીને અનેક રાજકીય નેતાઓ અને મહાનુભાવોએ કોરોના સંક્રમણને પરાસ્ત કર્યો છે.

  • Share this:
ગુજરાતમાં કોરોનાવાયરસના સંક્રમણને કારણે હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં રવિવારે કોરોના સંક્રમિતોનો આંકડો 10 હજારને પાર પહોંચી ગયો છે. ત્યારે કોરોનાને કારણે અનેક લોકોએ પોતાના વ્હાલસોયા સ્વજન ગુમાવ્યા છે. ત્યારે ગુજરાતે કરોનાકાળમાં ઘણાં મહાનુંભાવો ગુમાવ્યાં છે. જેમની ખોટ પૂરી શકાય તેમ નથી. ગુજરાતનાં આ મહાનુભાવોની વરમી વિદિય લોકોને હંમેશા યાદ રહેશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મપિતામહ કેશુભાઈ પટેલ, કૉંગ્રેસ પક્ષના ટ્રબલ શૂટર ગણાતા સાંસદ અહેમદ પટેલ, સાંસદ અભય ભારદ્વાજ, રાજ્યનાં મહાનાયક ગણાતા નરેશ કનોડિયાનાં મોતથી ગુજરાતીઓની આંખ પલળી ગઇ હતી. આ સાથે ગુજરાતનાં સીએમ રૂપાણીથી માંડીને અનેક રાજકીય નેતાઓ અને મહાનુભાવોએ કોરોના સંક્રમણને પરાસ્ત કર્યો છે.

કેશુબાપાની ફાઇલ તસવીર


કેશુબાપાને ગુજરાતીઓએ ભારે હૈયે વિદાય આપી હતી

ભાજપના ભીષ્મપિતામહ ગણાતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે કોરોનાથી નિધન થયું હતું. બાપાના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તેમણે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવદેહને ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. ત્યાં રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો, આગેવાનો, કાર્યકરોએ અંતિમદર્શન કર્યાં બાદ બાપાના પાર્થિવદેહને તિરંગામાં લપેટી નીકળેલી અંતિમ યાત્રા ગાંધીનગર સેક્ટર 30ના સ્મશાનગૃહ પહોંચી હતી. ત્યાં કેશુભાઈના નશ્વરદેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અને સલામી આપી સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ભારે હૈયે બાપાને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

અહેમદ પટેલનની ફાઇલ તસવીર


અહેમદ પટેલની અંતિમ ઈચ્છા હતી, માતા-પિતાની કબર પાસે દફનાવજોકોંગ્રેસ પક્ષના ટ્રબલ શૂટર ગણાતા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે કોરોનાથી 25 નવેમ્બર 2020ના રોજ નવી દિલ્હીમાં મોડી રાત્રે અવસાન થયું હતું. તેમની ઇચ્છા પ્રમાણે તેમની દફનવિધિ ભરૂચના પીરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં કરવામાં આવી હતી. અહેમદ પટેલ ઓક્ટોબરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારથી તેઓ કોરોના વાઈરસ સામે લડત આપી રહ્યા હતા, પરંતુ 25મીએ સવારે 3.30 વાગ્યે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી, અશોક ગેહલોત, કમલનાથ સહિતના ટોચના નેતાઓ અંતિમ વિદાય આપવા માટે પીરામણ ગામમાં આવ્યા હતા. અહેમદ પટેલના અવસાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના તમામ નેતાઓએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો.

ફાઇલ તસવીર


અભય ભારદ્વાજનું નિધન ચૈન્નાઇની હૉસ્પિટલ ખાતે થયું હતું

ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ત્રણ મહિનાની સારવાર પછી તેમનું પહેલી ડિસેમ્બરના રોજ મૃત્યું થયું હતું. પહેલા તેમની સારવાર રાજકોટ ખાતે થઇ રહી હતી જે બાદ તેમની તબિયત વધારે ખરાબ થતા તેમને વિમાન દ્વારા ચેન્નઈ વધારે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ચેન્નઈની હૉસ્પિટલમાં જ સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.આ અંગે વડાપ્રધાને સાંજે 5 કલાકે ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો. રાજકોટમાં રહેતા અને વ્યવસાયે વકીલ એવા અભય ભારદ્વાજનો જન્મ યુગાન્ડામાં થયો હતો. રાજકોટના વકીલ એવા અભય ભારદ્વાજનું નામ 2016માં ત્યારે વિવાદમાં આવ્યું હતું જ્યારે તેમની હંગામી ધોરણે કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક કરાઈ હતી.એ વખતે તેમની કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક સામે વિરોધ થયો હતો. તેમની નિમણૂક પર વિવાદ થયો હતો, કેમ કે તેઓ 2002નાં રમખાણોના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટીના કેસમાં આરોપીઓના વકીલ હતા.

નરેશ કનોડિયાની ફાઇલ તસવીર


મોટાભાઇના નિધન બાદ નરેશ કનોડિયાનું પણ સારવાર દરમિયાન અવસાન

ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને મહાનાયક તરીકે ઓળખાતા નરેશ કનોડિયાનું 27 ઓક્ટોબરે, 77 વર્ષની વયે કોરોનાની સારવાર દરમિયાન અવસાન થયું હતું. તેમના અંતિમસંસ્કાર ગાંધીનગર ખાતે કરાયા હતા. તેમના અવસાનના બે દિવસ પહેલા જ તેમના મોટા ભાઇ અને ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કનોડિયાનું 83 વર્ષની વયે નિધન થયું હતું. આ બંને ભાઇઓની જોડીનું આ રીતે એક સાથે અવસાન થતાં આખા ગુજરાતમાં ઘેરા શોકની લાગણી છવાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેલડીને શ્રદ્ધાંજલિ આપવા તેમના નિવાસસ્થાને ગયા હતા.

ફાઇલ તસવીર


કોરોના સંક્રમણને કારણે IPS અધિકારીનું મોત

કોરોનાકાળમાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહ્યો છે. કોરોનાને કારણે અનેક પોલીસકર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે વડોદરા આર્મ્સ યુનિટમાં તહેનાત ડી.આઇ.જી. એમ.કે. નાયક (આઇપીએસ)નું કોરોનાથી સંક્રમિત થયા બાદ મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે IPS અધિકારીનું મોત થયાની આ પ્રથમ ઘટના છે.

ફાઇલ તસવીર


ગુજરાત HC જસ્ટિસ જી.આર. ઉધવાણી

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી.આર. ઉધવાણીનું કોરોનાના કારણે 59 વર્ષની વયે નિધન થયું છે. અમદાવાદના વતની જસ્ટિસ જી.આર. ઉધવાનીએ 1986માં એલ.એ શાહ લૉ કોલેજમાંથી LLB કર્યું હતું. 1987માં તેમણે વકીલાત તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી હતી. વર્ષ 1997માં અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે પોતાના કેરિયરની શરૂઆત સિટી સિવિલ જજ તરીકે કરી હતી, સાથે જ કૃષ્ણકાંત વખારિયા, નિરૂપમ નાણાવટીને ત્યાં વકીલ તરીકે પણ કામ કર્યું હતું. ત્યાર બાદ જી.આર. ઉધવાણીને હાઇકોર્ટમાં પ્રમોશન મળ્યું હતું. જસ્ટિસ જી.આર. ઉધવાનીની વર્ષ 2004માં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 2011થી 2012 વચ્ચે તેઓ ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ રહ્યાં હતાં.

આ ઉપરાંત વડોદરાના પૂર્વ કોર્પોરેટર શકુંતલા શિંદેનું પણ કોરોનાથી મોત નિપજ્યું હતું. DYCM નીતિન પટેલની ઓફિસમાં ત્રણ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. નીતિન પટેલના 2 કમાન્ડો અને 1 પટાવાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. થોડા દિવસો પહેલા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમના પીએ રિનીશ ભટ્ટ અને સેક્રેટરી મનોજ પટેલ પણ કોરોના ગ્રસ્ત થઇને હોમ આઇસોલેટ થયા હતા. આ ઉપરાંત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વડોદરાના ધારાસભ્ય મનિષા બેન વકીલ, અને ભાજનાના વરિષ્ઠ નેતા આઈ.કે. જાડેજા પણ કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે.
Published by: Kaushal Pancholi
First published: April 19, 2021, 11:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading