અમદાવાદ : પડ્યા પર પાટું, કોરોનાની સારવાર માટે આપવામાં આવતા ટોસિલિજુમેબ ઈન્જેક્શનની પણ અછત


Updated: April 11, 2021, 7:23 PM IST
અમદાવાદ : પડ્યા પર પાટું, કોરોનાની સારવાર માટે આપવામાં આવતા ટોસિલિજુમેબ ઈન્જેક્શનની પણ અછત
પ્રતિકાત્મક તસવીર

રેમડેસિવીર ઈન્જેકશનની અછતના કારણે લોકોને હાલાકી પડી રહી છે તેવામાં હવે કોરોનાના દર્દીઓને સારવારમાં આપવામાં આવતા ટોસિલિજુમેબ ઈન્જેકશનની પણ અછત ઉભી થઇ છે

  • Share this:
અમદાવાદ : એક તરફ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને હાલ રેમડેસિવીર ઈન્જેક્શન માટે પડાપડી અને લાઈનો લાગી રહી છે. છતાં તે ઈન્જેક્શનની માંગને પહોંચી વળાતું નથી ત્યાં હવે કોરોનામાં મોટી ઉપાધી સામે આવી છે. કોરોનાની સારવાર માટે ગત વર્ષે જે ઈન્જેકશનની સૌથી વધુ ડિમાન્ડ હતી તે ટોસિલિજુમેબ ઈન્જેકશનની પણ માર્કેટમાં અછત વર્તાઈ રહી છે. છેલ્લા દોઢ મહિનાથી આ ઈન્જેકશન નહીં મળતા દર્દીઓના સગાઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

કોરોનાનું સંક્રમણ ખૂબ જ તેજ ગતિથી વધી રહ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે. એક તરફ હોસ્પિટલોમાં બેડ ખૂટી રહ્યા છે. બીજી તરફ રેમડેસિવીર ઈન્જેકશન પણ અછતના કારણે લોકોને હાલાકી પડી રહી છે તેવામાં હવે કોરોનાના દર્દીઓને સારવારમાં આપવામાં આવતા ટોસિલિજુમેબ ઈન્જેકશનની પણ અછત ઉભી થઇ છે. ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ મોન્ટુ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદમાં ઈન્જેકશન માટે રોજની 100 ઇન્કવાયરી આવે છે. છેલ્લા દોઢ મહિનાથી ઈન્જેકશનની અછત છે. કંપની માંથી સ્ટોક સપ્લાય ન થતા ટોસિલિજુમેબ ઈન્જેકશનની અછત જોવા મળી રહી છે.

આ પણ વાંચો - કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇન્જેક્શનના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો

કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલ જણાવ્યું હતું કે સ્વિત્ઝર્લેન્ડથી આ ઈન્જેકશન ઇમ્પોર્ટ થતા હતા. છેલ્લો માલ હતો તે સરકારે હસ્તગત કર્યો હતો. ટોસિલિજુમેબ આમ તો રુમેટિઝ અને આર્થરાઈટીઝમાં વપરાતી દવા છે પણ આ સ્ટીરોઇડ ફેફસામાં લોહીના ગઠ્ઠા થઈ ગયા હોય તેને તોડવાનું કામ કરે છે. એટલે જ્યારે ફેફસામાં ઇન્ફેક્શન થાય ત્યારે આ ઈન્જેકશન આપવામાં આવે છે. પરંતુ આ ઈન્જેકશનની સાઈડ ઇફેક્ટ પણ એટલી જ છે.

આ ડ્રગ એક પ્રકારે સ્ટીરોઇડ છે જેથી લીવર અને કિડની પર અસર થવાની શકયતા રહેલી છે. મહત્વનું છે કે ગત વર્ષે માર્ચ એપ્રિલમાં શરૂ થયેલ કોરોનાના કેસ વધતા દર્દીઓને સારવાર માટે ટોસિલિજુમેબ ઈન્જેકશન આપવાની જરૂર પડી રહી ત્યારે હાલમાં પણ દર્દીઓની સારવાર માટે આ ઈન્જેકશનની માર્કેટમાં અછત વર્તાઈ રહી છે.
Published by: Ashish Goyal
First published: April 11, 2021, 7:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading